45 - હા, મરણ ઉચ્ચારશે ભાષા નવીનક્કોર ને / હરીશ મીનાશ્રુ


હા, મરણ ઉચ્ચારશે ભાષા નવીનક્કોર ને
ત્યાં સરગવો ઊગશે તોડી કબરની કોરને

કિંવદંતી એક્‌ સફરજનની કદી એંઠી કરી
આજ પ્રાયશ્ચિતરૂપે એંઠાં કરું છું બોરને

તું ય જો શોધીશ તો જડશે તને મધનું ટીપું
તારી ભીતર મેં દીઠું છે એક સક્કરખોરને

દેખ, પાગલ શૂન્ય તોળે છે, મૂકીને ત્રાજવે
રેવડીને સામે પલ્લે રાંક સોનામહોરને

સાવકા સમજી અષાઢોને ઉઝરડા જે કરે
શી રીતે મારો કહું મોતી ચરંતા મોરને

બાદ મરનેકે મેરે ઘરમાંથી શું મળશે તને
પાથરી નવખંડને ઓઢું છું આઠે પ્હોરને

એ રીતે ઘરમાં જીવું, ઓછું ન આવે ઘોરને
હા, મરણ ઉચ્ચારશે ભાષા નવીનક્કોર ને...


0 comments


Leave comment