2 - વાંચવી-મમળાવવી ગમે તેવી ગઝલો.../ પ્રસ્તાવના - મિજાજ / - રાજેશ વ્યાસ 'મિસ્કીન'


    આજે ગુજરાતી ગઝલ તેનું વહેણ બદલતા બદલતા સમગ્ર ગુજરાતમાં એ રીતે વહેતી થઈ છે કે ઉર્દૂ પછી ઉર્દૂની બરોબરી કરી શકે એવી ગઝલો ગુજરાતીમાં લખાય છે એમ કહી શકાય.

    આદિલ-રાજેન્દ્રની પેઢી પછીના સમયગાળાથી ગઝલની આજ સુધી એક સાથે ત્રણ-ચાર પેઢી કાર્યરત છે. આ પેઢીઓને પરંપરા અને આધુનિક ગઝલકારની પેઢીના તમામ લાભ મળ્યા છે. આજની ગઝલને હું પુરસ્કૃત ગઝલ કહું છું. આ પુરસ્કૃત ગઝલની ત્રીજી પેઢીનું એક મહત્વનું નામ એટલે કિરણસિંહ ચૌહાણ.

    સંપૂર્ણ નિષ્ઠાથી ગઝલમાં પ્રવૃત્ત થયેલા સૂરતના ગઝલકાર કિરણસિંહ ચૌહાણ ગઝલક્ષેત્રે અનેક શક્યતાઓ ધરાવતા ગઝલકાર છે. `મિજાજ' આ તેમનો બીજો ગઝલસંગ્રહ છે. આ ગઝલસંગ્રહમાંથી પસાર થતા ગઝલના ચાહકોને ગઝલની આજ અને આવતીકાલ બંનેની ઝલક મળશે. અહીં વાત મિજાજની છે અને અસલી મિજાજ કયો હોઈ શકે તેનો સુંદર પરિચય આ સંગ્રહના ઘણા શે'ર પાસેથી મળે છે.
અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શકયું દરિયો ઉઠાવીને!

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

શિખર પર આપ પહોંચ્યા છો, હવે પહોંચીને કરશો શું?
તળે સંભળાય એવી બૂમ તો પાડી જુઓ સાહેબ!

તટકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,
કાયમ એક ખુમારી સાથે, ઘટમાં તોયે વટમાં તોયે જીવ્યા.

    કિરણસિંહની ગઝલોની એક વિશેષતા છે, રોજીંદી પરિસ્થિતિમાંથી પ્રગટતી ગઝલ, કુટુંબના વાત્સલ્ય પ્રેમ અને કૌટુંબિક સંબંધોમાંથી નિપજતા સુંદર ચોટદાર શે'ર.
બને તો સાવ કોરી, સાવ કોરી, સાવ... આંખોથી,
તમારી દીકરીના પત્રને વાંચી જુઓ સાહેબ!

    કિરણ સહજતાથી આજના મધ્યમવર્ગીય માણસની મન:સ્થિતિને પ્રગટ કરતા ઘણા સુંદર શેર આપે છે.
હા તિરાડ ખૂબ છે ને તું વધું પડાવ નહિ,
રોજ તૂટતા હૃદયનો એકસ-રે કઢાવ નહિ.

    ઈશ્વરવિષયક શેર મર્મસ્પર્શી છે.
હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે?
કે જેથી સૌ અહીં માગ્યા કરે માથું નમાવીને!

એમના રસ્તામાં ઠોકર બહુ નથી,
જેમની દુનિયામાં ઈશ્વર બહુ નથી.

ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
આ ઈશ્વર તો છે શિલ્પ જાણે હવાનું.

    એક ગઝલ પાસે વારંવાર અટકી જવાય તેમ છે. શીર્ષક છે `બસ... બેઠો છું' અસલી ગઝલકાર કિરણસિંહ ચૌહાણના જન્માક્ષર જેવી ગઝલ. તેમની ગઝલનું ભવિષ્ય, આ પ્રવાસ કયાંથી શરૂ કર્યો છે તેની વાતની ઝલક આ ગઝલમાં છે. આખી ગઝલ અહીં મૂકવા કરતાં તેનો અંતિમ શેર જોઈએ.
અંત અને આરંભ છે કેવળ મારાથી,
સર્વ યુગોના સંધિકાળે, બસ... બેઠો છું.

    આ સંગ્રહની ગઝલોમાંથી પસાર થતા સહૃદયોને ગમે એવા ઘણા શેર જડી આવશે જે વાંચવાં, મમળાવવા અને કયારેક કોઈને લખી જણાવવા ગમે. પૂર્ણ નિષ્ઠાથી ગઝલો લખતા કિરણસિંહ ચૌહાણ ગમે ત્યાં, ગમે ત્યારે ગઝલો નથી લખતા.
ખાઈ-પીને ઊંઘવું એ કંઈ નવી ઘટના નથી,
જિંદગીમાં કૈંક આ ઉપરાંત બનવું જોઈએ.

    આ કંઈક ઉપરાંત જેવું બને છે ત્યારે ગઝલ બને છે. અધૂરાં કામ ઘણાં બાકી પડયાં છે. તેની સભાનતા કવિને છે. અને સાથે સાથે ગઝલનો પોકાર પણ કવિને સંભળાય છે. કંઈક આવા જ શેર જોઈએ.
અધૂરાં ઘણાં કામ બાકી પડયાં છે.
હું આવ્યો નથી કંઈ અહીં માત્ર ફરવા.

    કવિ જાણે છે કે ગઝલ લખવાથી ભીતર કઈ ઘટના ઘટે છે.
કાવ્યો લખું તો એટલી ઊર્જા મળે મને,
મારામાં જાણે કોઈ ઉમેરાઈ જાય છે.

    આ ક્ષણે ઘણા શે'ર ટાંકવાનું મન થાય છે. પરંતુ... એક બીજા કિરણની અહીં જે કેડી મળે છે તે વિશે વાત કરવી જરૂર જણાય છે.
બહાર એને શી મજા આવે પછી?
જેણે માણી હોય ભીતરની મજા.

દુનિયા જે કંઈ માગે છે એ સઘળું સોંપી દઈને બસ હળવા થઈએ,
ભાર વિનાનું ભાથું લઈને, ચાલ અહીંથી વેળાસર નીકળી જઈએ.

હવે તો દૂર જઈએ દુન્યવી સઘળા રિવાજોથી,
હજી બહુ જીવવાનું છે સજન થોડાંક શ્વાસોથી

જેને નથી કમાડ કે દીવાલ, બારી, છત,
તાળુંય કેમ મારવું મનના મકાનને!

    કિરણની ગઝલો વિશે માત્ર સહજ વાત કરવાનો ઉપક્રમ છે કારણ કે હું સ્પષ્ટ જાણું છું કે ગઝલસંગ્રહ પ્રગટ થતો હોય છે એ પોંખવાની ક્ષણો છે, નહીં કે `નિષ્ફળ ગયેલા મોતીયાના ઓપરેશન પછી હવે જગત પહેલા જેવું તેજસ્વી નથી રહ્યાું. સૂર્ય પણ ઝાંખો ઉગે છે' એવા પંડિતાઈ ભર્યા વિધાનો કે વિવેચનો કરવાનો સમય...

    અંતે અનેક શુભેચ્છાઓ સાથે એમની આ પંકિતઓ માણીએ...

લાંબી ટૂંકી મજલ લખે છે,
આ માણસ પણ ગઝલ લખે છે.
સોના જેવી ફસલ લખે છે,
અલ્પ લખે પણ અસલ લખે છે.

- રાજેશ વ્યાસ 'મિસ્કીન'


0 comments


Leave comment