3 - બીજી આવૃત્તિનો ઉમળકો / મિજાજ / કિરણસિંહ ચૌહાણ


    કવિતાના વિશ્વમાં પ્રવેશ્યા પછી જ જીવન પ્રત્યેની સાચી સમજ પ્રાપ્ત થઈ છે. એટલે જ હવે કુદરત પ્રત્યે કોઈ ફરિયાદ રહી નથી. `જીવન બહુ વૈભવશાળી ન હોય તો ચાલે પણ દમદાર તો હોવું જ જોઈએ' – બસ આ સાદી સમજ કેળવાઈ અને મારી ગઝલોમાં કંઈક જુદો જ મિજાજ પ્રગટવા લાગ્યો. એ મિજાજી ગઝલોને 2008માં `મિજાજ' નામથી જ સંગ્રહિત કરી. જેને ગઝલરસિક મિત્રોનો ખૂબ સ્નેહ મળ્યો.

    પ્રથમ આવૃત્તિની પ્રતો પૂર્ણ થતાં બીજી આવૃત્તિ માટે મિત્રોનો આગ્રહ અને મારી ઇચ્છા બંનેનું જોર વધ્યું. અને એ દિશામાં હું ગતિશીલ થયો. બીજી આવૃત્તિ વધુ બહેતર બનાવવાની મારી મહેચ્છાને કારણે કેટલીક જૂની ગઝલો રદ કરી, નવી ગઝલોનો સમાવેશ કર્યો. કેટલીક ગઝલોમાં નવા શે'ર ઉમેર્યા. ટૂંકમાં પ્રથમ આવૃત્તિમાં રહી ગયેલી કેટલીક ભૂલો સુધારીને સંગ્રહને શક્ય એટલો મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

    આ સંગ્રહ વધુ દમદાર બને એવી વિશેષ લાગણી ધરાવતા મારા યુવા કવિમિત્રો અનિલ ચાવડા અને કિરણ રોઝ તેમજ મોટાભાઈ સમા કવિશ્રી મહેશ દાવડકરના નિખાલસ અભિપ્રાયોએ મને અજવાળું પૂરું પાડ્યું. જેનો ખૂબ આનંદ છે. મહેશભાઈએ તો શીર્ષકને અનુરૂપ સુંદર આવરણચિત્ર તૈયાર કરીનેય ખૂબ મોટો સહયોગ આપ્યો છે. આ સંગ્રહને જાણીતા ગઝલકાર શ્રી રાજેશ વ્યાસ `મિસ્કીન'ની સુંદર પ્રસ્તાવના પ્રાપ્ત થઈ એ આનંદ તો ક્યારેય ખૂટશે નહીં.

    મારી ગઝલો અને મારા વ્યક્તિત્વની ખૂબી અને ખામીઓથી મને સતત વાકેફ કરનાર મારી જીવનસંગિની સ્મિતાનો સ્નેહાળ સથવારો અને મારા બંને દીકરાઓ પલ્લવ અને નમ્રનો કલરવ મારા સર્જકત્વને લીલુંછમ રાખે છે.

    `મિજાજ' આપના હાથમાં મૂકી રહ્યો છું એનો ખૂબ જ આનંદ છે પણ છેલ્લે એક વાત ખાસ કહી દઉં કે મારી ગઝલોને આપના હૃદય સિવાય બીજે ક્યાંય ફાવશે નહીં...
- કિરણસિંહ ચૌહાણ


0 comments


Leave comment