4 - સાહેબ! / કિરણસિંહ ચૌહાણ


બધીયે કામના ખીંટી ઉપર ટાંગી જુઓ સાહેબ!
તમારા મનને એનાથી અલગ રાખી જુઓ સાહેબ!

મળે આ શ્વાસની ઓળખ, જરા હાંફી જુઓ સાહેબ!
જુઓ ખાલી ચડી પગમાં, જરા ચાલી જુઓ સાહેબ!

તમે કેવળ નર્યા અજવાસના માણસ, હું જાણું છું,
કદી આ ભાગ્યનો અંધાર પણ ચાખી જુઓ સાહેબ!

બને તો સાવ કોરી, સાવ કોરી, સાવ... આંખોથી,
તમારી દીકરીના પત્રને વાંચી જુઓ સાહેબ!

ઘણા વરસો, ઘણા વેશો, ઘણી મહેનત, ઘણું પામ્યા,
હવે સઘળુંય એક જ ઝાટકે ત્યાગી જુઓ સાહેબ!

શિખર પર આપ પહોંચ્યા છો, હવે પહોંચીને કરશો શું?
તળે સંભળાય એવી બૂમ તો પાડી જુઓ સાહેબ!


0 comments


Leave comment