5 - આદત છે / કિરણસિંહ ચૌહાણ
હંફાવી દે એવા કિસ્સાઓની સાથે સોબત છે,
મરવું મારું કિસ્મત છે પણ જીવવું મારી આદત છે.
તારા દિલમાં મારા માટે જે કંઈ થોડી ઈજજત છે,
કાયમ એવું લાગે છે કે મારી પણ કંઈ મિલકત છે.
આપણને સમજે એવી બસ એક જ વ્યકિત મળે તો બસ,
આખી દુનિયા સાથે આપણને કયાં કોઈ નિસ્બત છે!
ભૂલવું અશકય હોય તો એને યાદ જરા ઓછું કરીએ,
જીવવા માટે આનાથી સારી કયાં કોઈ કરામત છે!
કીકીઓના આસન ફરતે ધરા સુંવાળી ભીનીછમ,
નાની સરખી આંખોમાં પણ કેવી કેવી સવલત છે!
0 comments
Leave comment