6 - મને નહીં ખપે / કિરણસિંહ ચૌહાણ


હાથમાં હો માત્ર શૂન્યતા... મને નહીં ખપે,
સ્વપ્ન થઈ રહે એ શકયતા મને નહીં ખપે.

હાથ શું મિલાવું જેનો હાથ સાવ ભ્રષ્ટ હો,
આ ઉપર ઉપરની સભ્યતા મને નહીં ખપે.

તું અહિત કર્યા કરે ને હું કશું કહું જ નહિ,
એવી પાંગળી વિનમ્રતા મને નહીં ખપે.

ના કશાય ઉદ્યમે મને બધું મળ્યા કરે,
આ પ્રયત્નહીન ભવ્યતા મને નહીં ખપે.

પામવાનું સુખ ન હો, ગુમાવવાનો ડર સતત,
લાગણીની આવી રુગ્ણતા મને નહીં ખપે.


0 comments


Leave comment