9 - એનાથી મોટી વાત કઈ? / કિરણસિંહ ચૌહાણ


ખાલી જીવતર છલકાવે છે, એનાથી મોટી વાત કઈ?
કોઈ તમને બહુ ચાહે છે, એનાથી મોટી વાત કઈ?

પહેલા-વહેલા વરસાદ સમું કોઈ વરસે છે ઝરમર ઝરમર,
ને ભીની ખુશ્બૂ લાવે છે, એનાથી મોટી વાત કઈ?

પ્રગટ્યું છે ધૂમ્મસ ચારેબાજુ ને ધૂમ્મસના આ ઘરમાં,
તું તડકો થઈને આવે છે, એનાથી મોટી વાત કઈ?

મરવાની વાતો કરનારા બે ઘડી તમારી સંગ રહી,
હવે મબલખ જીવવા માગે છે, એનાથી મોટી વાત કઈ?

મારાથી ઉત્તમ કેટકેટલા શાયર છે ને તેમ છતાં,
તું મારી ગઝલો વાંચે છે, એનાથી મોટી વાત કઈ?


0 comments


Leave comment