10 - બહુ નથી / કિરણસિંહ ચૌહાણ


એમના રસ્તામાં ઠોકર બહુ નથી,
જેમની દુનિયામાં ઈશ્વર બહુ નથી.

એટલે રમણીયતા જળવાઈ છે,
ફૂલની સંખ્યામાં ખંજર બહુ નથી.

વ્હાલથી તેડી રમાડે છે બધાં,
મારી પંકિતઓની ઉંમર બહુ નથી.

ટૂંકમાં પણ કેટલું કહી જાવ છો!
આપના શબ્દોમાં અક્ષર બહુ નથી.

તુંય ડગ એકાદ ભર ને જો પછી,
આપણી વચ્ચેનું અંતર બહુ નથી.


0 comments


Leave comment