2 - સરળ ભાષામાં ઊંડી ગઝલો.../ પ્રસ્તાવના / ઝાકળ ને તડકાની વચ્ચે / રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


    ‘ઝાકળ ને તડકાની વચ્ચે' એ હર્ષ બ્રહ્મભટ્ટનો છઠ્ઠો ગઝલ સંગ્રહ છે. ૧૯૯૨માં ‘એકલતાની ભીડમાં’ પ્રગટ થાય છે. પછી ૧૦ વર્ષના સમયગાળા પછી બીજો ગઝલ સંગ્રહ મળે છે ‘અંદર દિવાદાંડી’. એ પછી ૮ વર્ષે એટલે કે ૨૦૦૯માં ગઝલ સંગ્રહ મળે છે ‘મૌનની મહેફિલ’ (જોકે ૧૯૯૯ અને ૨૦૦૬માં ‘કંદિલ’ અને ‘સરગોશી’ ઉર્દૂ ગઝલ સંગ્રહો મળ્યા એ નોંધવું જોઈએ.) એકલતાની ભીડથી શરૂ થયેલી કાવ્યયાત્રા ૨૦૦૯ સુધીમાં તો ભીડને મહેફિલમાં ફેરવી નાંખે છે. અને મૌનની મહેફિલ પછી ૨૦૧૦માં એક જ વર્ષમાં બીજી ૧૦૦ ગઝલો ‘જીવવાનો રિયાઝ’ સંગ્રહમાં મળે છે. ૨૦૧૦માં બીજા વર્ષે ફરી ૯૧ ગઝલોનો ગઝલ સંગ્રહ ‘ખુદનેય ક્યાં મળ્યો છું’ પ્રગટ થાય છે. મૌનની મહેફિલથી બેઠેલી ગઝલોની મૌસમ પુરબહાર ખીલેલી છે. તેમના છઠ્ઠા ગઝલ સંગ્રહ ‘ઝાકળ ને તડકાની વચ્ચે’માં પેલી ગઝલની ખળખળતી નદી વધારે ઊંડી, અને આભને તરાવી શકે એવા શાંત પાણી સાથે વહેતી દેખાય છે.

    હમણાં જ એક કવિ મિત્રએ કહ્યું હતું કે પ્રત્યેક કાવ્યસંગ્રહ તેના પહેલાંના કાવ્ય સંગ્રહ કરતાં નિરૂપણ, વિષય-વસ્તુ, કથન રીતિ વગેરે બાબતમાં નવા-નવા શિખરો સર કરતો હોય તે જરૂરી છે. કોઈ એક કવિના બધાં જ સંગ્રહો એકજ સરખા લાગે તે એ કવિનો વિકાસ ના કહેવાય. કાવ્યમાં તો પ્રત્યેકનું ભાવવિશ્વ અલગ હોવું જોઈએ અને પ્રત્યેક નવો સંગ્રહ નવું શિખર સર કરતો હોવો જોઈએ. મને મનમાં થયું ગઝલનું સ્વરૂપ જ એવું છે કે તેના પ્રત્યેક શેર ભાવવિશ્વ સ્વતંત્ર હોય છે. ગઝલના સ્વરૂપમાં શિખરો સર નથી થતા. વધારે ને વધારે ઊંડાણમાં જવાનું હોય છે. વધારે ને વધારે ઊંડાણ તાગવામાં આવે છે. હર્ષભાઈએ લખેલી ઘણીબધી ગઝલોને પ્રગટ થતા પહેલા તેમની પાસેથી સાંભળવાનું બન્યું છે. ગઝલની અંદર તેમણે ખૂબ ઝીણ કાળજીથી, ખૂબ બારિકીભર્યું કામ કરેલું છે. તેમની ગઝલોની સરળતા છેતરામણી છે. સાવ સરળ લાગતી પંક્તિઓ પાછળ ખૂબ ઊંડું ભાવવિશ્વ તેના ભાવકની રાહ જોતું ઊભું હોય છે. ગઝલનું સ્વરૂપ એવું છે કે જેમાં શિખરો સર કરવાના નથી હોતા, ઊંડાણ તાગવાનું બને છે, અને દ્રષ્ટિએ સરળ ભાષામાં લખાયેલી આ ઊંડી ગઝલો છે.
 
    સંગ્રહની ગઝલો વિશે જો વિગતે વાત કરવા બેસું તો ખૂબ લંબાણ થઈ જાય એવી શક્યતા છે. ગમતા શેર ટાંકવા બેસું તો મન ભરાયું ન હોય કે વાત અધૂરી રહી ગઈ એવું લાગે. અને આ બધું એટલા માટે કહી રહ્યો છું કે હું કોઈ પણ ગઝલકારની ગઝલ પાસે એક તીર્થની જેમ જ ગયો છું. ગઝલના શેરની બે પંક્તિમાં અત્યંત લાઘવથી, સરળ શબ્દોમાં કેટલી મોટી વાત મૂકાયેલી હોય છે તેનો આંનદ અને આશ્ચર્ય રોજ રોજ અનુભવું છે. તેમની એક ગઝલ વિશે વાત કરવાનું મન થાય છે. નૃત્યને અને મુદ્રાઓને સંબંધ છે. નૃત્ય કેટકેટલા ભાવોને તેની અંગભંગિમાઓથી પ્રગટ કરતુ હોય છે. નૃત્યકાર અને નૃત્ય બે જુદા નથી હોતા, કવિ અને કવિતા અલગ હોઈ શકે, ચિત્ર અને ચિત્રકાર અલગ હોઈ શકે, શિલ્પ અને શિલ્પકાર અલગ હોઈ શકે, ગીત અને ગીતકાર અલગ હોઈ શકે, પણ નૃત્યથી નૃત્યકાર અલગ ન હોઈ શકે. ભારતીય નૃત્ય કળા એ તો ચેતનાના એક સ્તરે પ્રગટતું કાવ્ય છે. પરંતુ આજે જે નૃત્ય છે એ નૃત્ય રહ્યા છે ખરા ? જાણે સરકસના કે કસરતના દાવ હોય એવા નૃત્યો ફિલ્મોમાં ઠલવાતા રહે છે અને એના અનુકરણો ચાલ્યા કરે છે. હવે ગઝલનો મત્લા જોઈએ.
ક્યાં જમાના રહ્યા નજાકતના
મૃત્ય લાગે છે દાવ કસરતના.

    આપણું મન ક્યાંક હોય છે, આપણું શરીર ક્યાંક હોય છે અને બ્હારની પરિસ્થિતિ સાવ જુદી જ હોય છે. એ સમયે કોઈ આપણને કેમ છો એમ પૂછે અને આપણે મજામાં છીએ એ જવાબ આપીએ એ એટલો સાચો ન પણ હોઈ શકે.
મૂળ, મોસમ ને મન બધું જ અલગ,
છે સમાચાર વ્યર્થ તબિયતના.

    આપણો દંભ કઈ હદે પહોંચી ગયો છે ? વાત મોક્ષની, નિર્વાણની, મુક્તિની કરતા હોઈએ છીએ અને આપણી એક પણ આદત આપણે છોડી નથી શક્યા હોતા. બધું છૂટી ગયા પછીની અવસ્થાની વાત કરતા હોઈએ છીએ અને ગુલામી કરતા હોઈએ છીએ ઝીણી-ઝીણી આદતની. આ પરિસ્થિતિને કારણે મોક્ષ, નિર્વાણ, મુક્તિની વાતો પણ આદત બની જાય છે.
મોક્ષ – નિર્વાણ – મુક્તિની વાતો,
ને હતા સૌ ગુલામ આદતના.

    બધા સપનાં સવાર પડતાં એક સરખી રીતે ઊડી જતા હોય છે. બધા જ સપનાં અંતે તૂટી જતા હોય છે. સપનાંઓ ગમે તેટલા સુંદર હોય તો પણ એકસરખા કાળા અંધારામાં જન્મે છે પણ પ્રત્યેક હકિકત જુદી હોય છે, પ્રત્યેક હકિકતનો અર્થ જુદો હોય છે. સ્વપ્ન અને હકિકતની સાવ જુદી રીતે વાત હવેના શેરમાં થઈ છે.
સ્વપ્ન સરખા જ નીકળ્યા અંતે,
અર્થ નોખા બધી હકીકતના.
   
    માણસ રડતો હોય છે, રડી શકતો હોય છે છતાં અક્કડ કેમ રહેતો હોય છે ? રડવાનું બને એટલો સમય જ ઢીલો પડી જતો હશે, કોમળ બની જતો હશે ? આવું કેમ થતું હશે ? સંવેદનશીલ માણસ, લાગણીશીલ માણસ જ રડી શકે છે, પ્રત્યેક માણસ લાગણીશીલ હોય છે. તો પછી હવે માણસ રડે છે છતાં અહંકાર કેમ ઓછો નથી થતો ? અહીં કવિની નજરે તેનો ખુલાસો થયો છે. માણસને પર્વતે શ્રાપ આપ્યો હશે. પર્વત અક્કડ ઊભો હોય અને છતાંય સુંદર ખળખળતા ઝરણા વહે એ જોઈને કદાચ ક્યારેક માણસોએ મજાક કરી હશે અને પર્વત પણ સામે શ્રાપ આપ્યો હશે અને ત્યારથી હરતો-ફરતો જીવંત હોવા છતાં, રડી શકતો હોવા છતાં અક્કડ થઈ ગયો હશે. હવે જોઈએ આ શેર.
રોજ આંસુ વહે છતાં અક્કડ,
શ્રાપ માણસને કોઈ પર્વતના.

    પ્રત્યેક ગઝલ, પ્રત્યેક શેર પાસે એક ગઝલના ઉપાસક તરીકે હંમેશા હું જઉં છું. પ્રત્યેક ગઝલને બધા સંદર્ભો સમાવીને વાંચી જોઉં છું. બધા સંદર્ભો હટાવીને વાંચી જોઉં છું અને પછી જેમાં ખૂબ મજા પડે એની વાતો કરું છું – આ સંગ્રહની ગઝલોમાં ખૂબ મજા પડી છે. ગઝલમાં કાફિયાનું વૈવિધ્ય ધ્યાન દોરે છે. મુક્ત કાફિયાની ગઝલ, મુક્ત રદીફની ગઝલ એ માત્ર પ્રયોગની ભૂમિકાએ જ નહીં, અનિવાર્યતામાંથી પ્રગટેલો પ્રયોગ છે. ઉદયન ઠક્કરના એક શેરના સ્મરણથી લખાયેલી ગઝલ કેવી ઝીણી વાત કરે છે. પોતાના સમકાલીન ગઝલકારનો શેર એક ગઝલકાર પોતાની સંવેદનામાં જયારે આત્મસાત કરે ત્યારે કેવું નિરૂપણ થાય છે તે જોઈએ. ઉદયનનો શેર –
કઈ તરકીબથી પથ્થર કેદ તોડી છે,
કૂંપળની પાસે કોઈ કુમળી હથોડી છે?

    ઉપરના શેરમાં વાત કૂંપળની જે કરવામાં આવી છે એ કૂંપળ પોતે જ છે એ અનુભવાયું હોયને શેર રચાય ત્યારે કેવું સરસ પરિણામ આવે છે.
બળ કરીને કેદ કરતીતી પરિસ્થિતિ
કોઈ કળથી કેદ તોડી નીકળ્યો પાછો.

    આમ તો આ આખી ગઝલમાં રહેલો Positive સુર, જીવન વિશેની વિધાયક દ્રષ્ટિ હૃદયને સ્પર્શી જાય છે. ઘણાં શેર પાસે અટકી જવાનું મન થાય છે.
ક્યાંક મંઝીલ ક્યાંક ઠોકર છે હૃદય,
આ વળી કેવું મુસાફર છે હૃદય.

   હવેનો શેર કેટલા બધા સંદર્ભો ઊભા કરે છે.
પ્રશ્ન છું હું રામના વનવાસનો,
ને અયોધ્યાસમ નિરુત્તર છે હૃદય.
***
ભૂલ પોતાની કદી દેખાય ના,
સર્વને રસ્તો જ દેખાયો ગલત.

    ‘ગઝલ’ રદીફ ખૂબ અઘરી છે. ગઝલમાં પાળવી, ગઝલમાં છેક સુધી નિભાવવી બહુ મોટી વાત છે. આ દ્રષ્ટિએ આ સંગ્રહની રદીફો પણ ધ્યાન ખેંચે છે. કોણ ચાહે છે તને, વીંધે છે, એકલો, કેમ ભૂલી જઉં ? કિંમત જેવી રદીફો... ઈચ્છા, આંખો, ઉમ્રભર, સંબંધો જેવી એક શાબ્દિક રદીફો જોતાં પરંપરાને પચાવીને આજનો ગઝલકાર ગઝલ રચે ત્યારે કેવા સુંદર પરિણામો આવે છે તેનો પરિચય કરાવે છે. બધું ઊંડે ને ઊંડે ચિંતનસભર રચાયેલી સરળ ભાષાની આ ગઝલો ગુજરાતી ગઝલ ક્ષેત્રે એક નોંધપાત્ર ઉમેરો કરે છે તેનો આનંદ છે. અંતે એટલું જ કહેવાનું મન થાય છે કે જે હકીકત છે તેને મનાવવી પડતી નથી, હકીકતને મનાવી જ પડતી હોય છે. હકીકત આપણને મનાવી જ લેતી હોય છે.

    હકીકત આપ મનાવા લેતી હૈ, માની નહીં જાતી.
    હર્ષભાઈને આવી સુંદર ગઝલોનો સંગ્રહ આપવા બદલ અભિનંદન અને હજી વધુને વધુ ઊંડી ગઝલો આપતા રહે એવી શુભેચ્છાઓ.
-  રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


0 comments


Leave comment