3 - ગઝલરૂપે જીવાતી જિંદગીની વાત / નિવેદન / ઝાકળ ને તડકા વચ્ચે / હર્ષ બ્રહ્મભટ્ટ


    મારા પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકલતાની ભીડમાં'થી મારી સર્જનાત્મક કાવ્યયાત્રાની શરૂઆત થઈ.બસ ત્યારથી કવિતા / ગઝલ મારા જીવનનું એક અભિન્ન અંગ બની ગઈ છે. આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ તરીકે સ્વીકારેલી સરકારી કામકાજની વ્યસ્તતા વચ્ચે જે શ્વાસો મેં લીધા, જે ક્ષણો મેં સેરવી લીધી એ કવિતા / ગઝલરૂપે જીવાઈ છે. એ ક્ષણોએ મને સાચું જીવન આપ્યું છે અને તેથી જ આ લેખમાં હું ‘ગઝલરૂપે જીવાતી જિંદગીની વાત’ કરી રહ્યો છું.

    ‘એકલતાની ભીડમાં’ એ કાવ્યસંગ્રહ ૧૯૯૨માં પ્રગટ થયો હતો. તે પછીના વીસ વર્ષમાં ‘અંદર દિવાદાંડી’ (૨૦૦૨), ‘મૌનની મહેફિલ’ (૨૦૦૯), ‘જીવવાનો રિયાઝ’ (૨૦૧૦) અને ‘ખુદને ય ક્યાં મળ્યો છું’ (૨૦૧૨) અન્ય ચાર ગુજરાતી કાવ્યસંગ્રહો પ્રગટ થયા. વળી ઉર્દૂ ભાષા પ્રત્યેના મારા વિશેષ આકર્ષણ અને રસને કારણે ‘કંદિલ’ (૧૯૯૯), ‘સરગોશી’ (૨૦૦૬) અને ‘મેરા આપના આસમા’ (૨૦૧૨) એમ ત્રણ ઉર્દૂ ગઝલસંગ્રહો પણ પ્રગટ થયા. ગુજરાતી માતૃભાષા હોવાને કારણે તેમાં થતા નોંધપાત્ર કામ થઈ શક્યું હોઈ જ, પણ ઉર્દૂ મારી માતૃભાષા ન હોવા છતાં તેમાં પણ નોંધપાત્ર કામ થઈ શક્યું એનો મને સંતોષ છે.

    ગુજરાતી કાવ્ય સંગ્રહોમાં મેં મુખ્યત્વે ગઝલો આપી છે. આ ગઝલો ધ્યાનપૂર્વક અભ્યાસ, કરવામાં આવે તો જણાશે કે તેમાં પ્રયોજાયેલી ભાષા લહેજો (diction), કલ્પનો, પ્રતીકો, ઉપમાઓ વિગેરે અન્ય કોઈ ગઝલકારની છાયામાં નથી; તેમાં એક નાવીન્ય છે. તાજગી છે. આ ગઝલોની રદીફ, કાફિયા, છંદવૈવિધ્ય નોંધ લેવાય એવું હું ઈચ્છું છું. ટૂંકમાં કહું તો, ગઝલસ્વરૂપે મને એક આગવી ઓળખ આપી છે અને તેથી તે મારો પ્રિય કાવ્યપ્રકાર રહ્યો છે. આ સંગ્રહમાં પણ બધી ગઝલો જ છે. આ સંગ્રહ આગાઉના સંગ્રહોથી અલગ પડે અને ગુણવત્તાની દ્રષ્ટિએ એ વધુ બળવત્તર પ્રસ્થાપિત થાય એવો સંનિષ્ઠ પ્રયાસ મેં કર્યો છે. આ પ્રયાસ કેટલો સફળ રહ્યો છે એ આપ સૌએ નક્કી કરવાનું છે.

    એક સહૃદયી મિત્ર તરીકે આ સંગ્રહની પ્રસ્તાવના લખવા બદલ મારા સમકાલીન ગઝલકાર અને ઉમદા વ્યક્તિ એવા રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો આભારી છું.

    આ સંગ્રહમાંની ગઝલોને પુસ્તક સ્વરૂપે આ સૌ સુધી પહોંચાડનાર નવભારત સાહિત્ય મંદિરનો, ખાસ કરીને શ્રી જયેશભાઈ શાહનો, આભારી છું. કાવ્યસંગ્રહના રૂપરંગ અને સજાવટ માટે કિરણભાઈ ઠાકરનો પણ આભાર માનું છું.

    આશા છે કે આપ સૌને આ સંગ્રહમાંની ગઝલો ગમશે. આપનો પ્રતિભાવ આપશો તો આનંદ થશે. છેલ્લે આ એક શેરથી વાત પૂરી કરું છું.
કામ વરસોના વરસનાં, થાક ઉતરતો ઘડીમાં,
હાથ પકડી ‘હર્ષ’ ગઝલો જ્યાં લખાવી જાય કોઈ.
તા.૨૮/૧૧/૨૦૧૩
- હર્ષ બ્રહ્મભટ્ટ
- અમદાવાદ


0 comments


Leave comment