70 - ચાલવાની ના જ પાડી દે ચરણ તો થાય શું ? / હર્ષ બ્રહ્મભટ્ટ


ચાલવાની ના જ પાડી દે ચરણ તો થાય શું ?
મૂળમાંથી સાથ થોડી દે સ્મરણ તો થાય શું ?

જિંદગીભર જિંદગી તરસાવતી હરપળ રહી,
ખૂબ તરસાવે અગર એને મરણ તો થાય શું ?

લાગણીનાં અપહરણ થાતાં રહે, થાતાં રહે,
હર સંબંધો હોય માયાવી હરણ તો થાય શું ?

બાળકો પણ ખૂબ મોટાં થઈ ગયાં જે વૃદ્ધનાં,
વૃદ્ધ એ ઈચ્છે ફરીથી બાળપણ તો થાય શું ?

ઘર, જગત બધ્ધું જ છોડ્યું જેમને માટે અહીં,
જાય છોડી જો અચાનક એય પણ તો થાય શું ?


0 comments


Leave comment