71 - કૈંક એવું કર કે તારી હંમેશા ખબર મળે / હર્ષ બ્રહ્મભટ્ટ


કૈંક એવું કર કે તારી હંમેશા ખબર મળે,
જઉં કોઈ પણ દિશામાં ત્યાં તારું નગર મળે.

મંઝીલ અલગ, દિશા ને ગતિ પણ અલગ અલગ,
તો પણ નવાઈ, બેઉની એક જ સફર મળે.

જળમય થઈ જો ઝંખના, રણમાં કમળ ઊગ્યાં,
તારા વિશેનું કેટલું તારા વગર મળે.

જોકે હું સાવ એકલો ઘરને ખૂણે રડ્યો,
વ્હેલી સવારે તારો રૂંધાયેલ સ્વર મળે.

શાયદ એ વિચારે જ તું ટાળીશ આવવું,
બદલાઈ ગયું છે શ્હેર, હવે ક્યાંથી ઘર મળે ?


0 comments


Leave comment