73 - દંભની ભવ્યતા સંસારમાં નહીં ચાલે / હર્ષ બ્રહ્મભટ્ટ


દંભની ભવ્યતા સંસારમાં નહીં ચાલે,
ખોખલી સભ્યતા સંસારમાં નહીં ચાલે.

રસ નવેનવ મળી રહે સદા જરૂરી છે,
હરપળે રમ્યતા સંસારમાં નહીં ચાલે.

લોક અંજાઈને ચરણોમાં ઝૂકતા જ રહે,
એટલી દિવ્યતા સંસારમાં નહીં ચાલે.

મૌનનો જ્યાં લગી સમજાયો હોય ના મહિમા,
અર્થહીન વ્યક્તતા સંસારમાં નહીં ચાલે.

જોઈએ જિંદગીમાં તું જ સર્વ સુખદુઃખમાં,
ઓ પ્રભુ અન્યથા સંસારમાં નહીં ચાલે.

‘હર્ષ’ સમજીને કદી મુર્ખ થવામાં ડહાપણ,
હર વખત વિદ્વતા સંસારમાં નહીં ચાલે.


0 comments


Leave comment