75 - એક પળ ખાતર જિવાયું ઉમ્રભર / હર્ષ બ્રહ્મભટ્ટ


એક પળ ખાતર જિવાયું ઉમ્રભર
એક પળનું સુખ સવાયું ઉમ્રભર

કમનસીબી કલ્પનાને દાદ રે,
કલ્પનામાં તો મળાયું ઉમ્રભર.

એક સાદું વાક્ય જે ના કહી શક્યો,
એ ગઝલ રૂપે લખાયું ઉમ્રભર

ના કદી વરસ્યું, ન વિખરાયું કદી,
વાદળું મનમાં છવાયું ઉમ્રભર.

કોણ ધક્કો મારતું – અટકાવતું,
કેમ ના કૈં પણ થવાયું ઉમ્રભર ?

‘હર્ષ’ કેવું ભાગ્ય, જાવું’તું કશે,
ક્યાંક બીજે જઈ ચઢાયું ઉમ્રભર


0 comments


Leave comment