76 - ભળે દૂધમાં સાકર એમ જ ભળી જાય ગુજરાતી / હર્ષ બ્રહ્મભટ્ટ


ભળે દૂધમાં સાકર એમ જ ભળી જાય ગુજરાતી
તમે ગમે ત્યાં જાવ જગતમાં મળી જાય ગુજરાતી

કદી કોઈનાથી જરાયે ઢાંક્યો ના ઢંકાતો,
લાખ મુસીબત વચ્ચે પણ ઝળહળી જાય ગુજરાતી.

પ્રેમ અને માણસનો ભૂખ્યો, સદાય ઉત્સવઘેલો,
ભવભવનું ભાથું પળપળમાં રળી જાય ગુજરાતી

સદાય સૌને સહજ સમાવી ને અપનાવી લેતો,
બધાં અણગમા-અપમાનોને ગળી જાય ગુજરાતી.

ધરમ-કરમનાં કે ભાષાના કશા ભેદ ના નડતા,
વાત-પરિસ્થિતિ પળભરમાં કળી જાય ગુજરાતી.


0 comments


Leave comment