77 - હું ઊભો છું, તું ઊભી છે / હર્ષ બ્રહ્મભટ્ટ


ફૂલ અને શમણાંની વચ્ચે, હું ઊભો છું, તું ઊભી છે;
વરસો’ને હમણાંની વચ્ચે, હું ઊભો છું, તું ઊભી છે.

આભ અને આ ધરતી વચ્ચે, ઓટ અને આ ભરતી વચ્ચે;
બમણાં’ને તમણાંની વચ્ચે, હું ઊભો છું, તું ઊભી છે.

ઝાકળ’ને તડકાની વચ્ચે, વ્હાલ અને છણકાની વચ્ચે;
શ્વાસોની રમણાની વચ્ચે, હું ઊભો છું, તું ઊભી છે.

મૂળ અને આ ફળની વચ્ચે, યુગ અને આ પળની વચ્ચે;
જીવતરની ભ્રમણાની વચ્ચે, હું ઊભો છું, તું ઊભી છે.

શબ્દ અને આ સૂરની વચ્ચે, કાંઠા’ને આ પૂરની વચ્ચે;
નહિવત્ અને ઘણાની વચ્ચે, હું ઊભો છું, તું ઊભી છે.


0 comments


Leave comment