78 - નાશ નોંતરતો નહીં હુંકારમાં / હર્ષ બ્રહ્મભટ્ટ


નાશ નોંતરતો નહીં હુંકારમાં,
સ્થાન સમજણનેય દે વ્યવહારમાં.

શક્ય હો તો તું બચાવી શ્વાસ લે,
ખૂબ ખર્ચાઈ ગયો તકરારમાં.

એટલી ઝડપે એ ડૂબ્યો એ હદે,
જેટલો રહેતો હતો એ ભારમાં.

મન અલગ થાતાં ગયાં ને તે પછી,
ક્યાં ફરક છે ઘર અને ભેંકારમાં.

જીવતાનો અર્થ બદલાઈ ગયો,
બેઉ પક્ષે ખુશ હતા સૌ હારમાં.

રાહમાં પૂરું થયું જીવન અહીં,
એ રહ્યા મશગૂલ ત્યાં શણગારમાં.


0 comments


Leave comment