1.14 - સીધા કાગળજીના ઘરમાં... / મુકેશ જોષી


એકલતાએ પીછો કીધો, અમે કલમ લઈ નાઠા :
સીધા કાગળજીના ઘરમાં
ઘરમાં પગ મૂકતાની સાથે કોઈ પ્રેમથી બોલ્યું
આવો ઈશ્વરના અવસરમાં...

ઈશ્વરના દરબાર મહીં તો કંઈક શબદના ઉપાસકો ને
ઝીણે સૂરે વાગે રે કરતાલ અને મંજીરા
નરસિંહ મહેતા મારે માથે હાથ મૂકીને મલક્યા ને
મીરાંજી બોલ્યાં: લે બેટા, આ રણઝણતા મંજીરા
કાગળજીને તિલક કરું કે
નરસિંહ ને મીરાં આવીને બોલે મારા કરમાં...

કલમ વચાળે તેજ ભરી દે ઈશ્વરજી એવું કે
શબ્દો દીવા દીવા થઈ જાય દીવાની એક આરતી થાય
લોક કવિતા સાંભળવા આવે છે એવાં બ્હાનાં
એ તો કવિ કરે જે આરતી, એની આશકા લેવા જાય
કપૂર જેવું કશું સુગંધી પ્રગટે ને
કંઈ જાય પ્રસરતું આખા સચરાચરમાં


0 comments


Leave comment