1.15 - સાવ માણસની જાત... / મુકેશ જોષી


કાગળના જેવી ઉધાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત

તેજના લિસોટા શો માણસ, ને
માણસ આ અંધારાં ચગળે છે કેમ
ચશ્માંની જેમ એણે દૃષ્ટિ ઉતારી
ને આંખોમાં આંજેલો વ્હેમ

કોની તે નજરે નજરાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત

ભીતરમાં ભેજ તણા ઢગલાઓ થાય
છતાં માણસને એની દરકાર નહીં?
હૈયામાં ટળવળતી સારપની વસ્તીને
સાચવવા કોઈ સરકાર નહીં?

કુદરતની આંખો ડઘાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત


0 comments


Leave comment