1.16 - કે બાઈ, મુંને આજ કો’કે લીંબોળી મારી... / મુકેશ જોષી


કે બાઈ, મુંને આજ કો’કે લીંબોળી મારી
     બાઈ, હું તો છટકીને ભાગવા ગઈ
          કોક નજરુંની વાડ અડી ભારી...

     લીંબોળી વાગી ને આખુંય અંગ
          કાંઈ એવું દુખે તે કાંઈ દુખે
     લીંબોળી મારીને મલકી જાનારનું
          નામ નથી લેવાતું મુખે
     બાઈ, હું તો બારણાં ભીડેલાં રાખું
          તો ઊઘડી જતી કેમ બારી...

     બાઈ, હવે આંખેથી ટપકે ઉજાગરા
          નીંદર તો શમણાંની વાટે
     છાતીના ધબકારા લૂંટી ગયું કોઈ
          નાનકડી લીંબોળી સાટે
     બાઈ, હું તો આખાયે ગામને જીતી
          ને લીંબોળી સામે ગઈ હારી...

     લીંબોળીમાં તો બાઈ કેટલા લીંબડા
          લીંબડાને કેટલી ડાળી
     ડાળી પર કોયલ ને કોયલના ટહુકા ને
          ટહુકામાં પ્રીત નખરાળી
     અરરર બાઈ, આ તો કેવી નવાઈ
          હું તો ટહુકે હણાઈ પરભારી.


0 comments


Leave comment