1.17 - અંદર અંદર કણસે... / મુકેશ જોષી


કેટકેટલાં વાવાઝોડાં ને વંટોળો પીને માણસ
અંદર અંદર કણસે
છાતી વચ્ચે ફેલાતું હો ફાટફાટ વેરાન ને
માણસ મહેફિલ માટે તરસે

સમય નામનો સાંઢ જ જોને ચાવી જાતો
ફૂલગુલાબી તડકાઓને, છોડી જાતો અંધકાર એ ગાઢ
લીલા છાંયે ભર્યાં સરોવર ગટગટ કરતો પી જાતો ને
માણસ પીતો તરસ નામની થરથરતી કો ટાઢ
એક સામટા સાત ઉનાળા છાતીમાં ધરબાઈ જાય
રે વાદળ જેવા ભીના ભીના સંબંધોય વણસે ...છાતી વચ્ચે

જૂની દીવાલોથી ખરતી રેતી જેવું માણસમાંથી
કશું ખરે દરરોજ ને માણસ ચોમેરે કોરાય
ઈશ્વરના સંતાન અરે આ માણસના બે હાથ વચાળે
કલમ છતાંય સુખની રેખા જાતે ના દોરાય
થોકબંધ એ શરદપૂનમને આંખ વચાળે રોપે ને પંપાળે
તોય આંખ ખૂલતાં ધડામ કરતી અમાસ વરસે ...છાતી વચ્ચે


0 comments


Leave comment