1.19 - ઝાકળ જેવી એક છોકરી તમને મળવા આવે.. / મુકેશ જોષી


કોઈ સવારે, ફૂલો સાથે વાત કરીને
          ઝાકળ જેવી એક છોકરી તમને મળવા આવે
     તમે દ્વાર ખોલીને ઊભા હોવ છતાંય
          સાંકળ જેવું ધીમે ધીમે તમને એ ખખડાવે
     તો, તમે મૂકી દો છાતી ઉપર હાથ,
          કશું વિચારો પહેલાં કિયો વિચાર આવે?

     ખુલ્લી આંખે સપનું આવે, ગુલાબની પાંદડીએ એનું
          નામ લખીને કંઈક જનમથી ઝૂર્યા હો ને
     ખરું પૂછો તો ગઈ રાતનાં સપનાંઓનાં પતંગિયાંની
          પાંખ ઉપરથી હેઠા પણ ના ઊતર્યા હો ને
     તમે હજુ તો પૂછો ‘કોણ તમે’ના કોઈ ઉત્તરમાં
          એ ચારેબાજુ હવા સુગંધી આવે

     અજવાળું ઊગવાની ખાસ્સી વેળ હોય ને એય
          તમારી સામે સૂરજમુખી જેવું ખીલવા લાગે
     તમે તમારા મન માંહે સંતાડી રાખ્યો હો એ સૂરજ
          ફટાક કરતો એની પાસે ભાગે
     તમને એ આંજી દે આછા ઉજાસથી કે
          અંધારું કે અજવાળું ના કશું જ તમને ભાવે

     તમે હજુ તો મનમાં આંબો વાવો, પહેલાં ડાળ તૂટે ને
          કોઈ તમારી કૂંપળ જેવી વાત ફળે ના
     તમે પછીથી શોધ આદરો રસ્તાઓમાં ચહેરાઓમાં
          છતાંય તમને કોઈ નક્કર ભાળ મળે ના
     કોઈ સાંજે તમે એકલા બેઠા હો, ને સવાર જેવી
          એક છોકરી તમને જો યાદ આવે!


0 comments


Leave comment