1.20 - આંખો થઈ ગઈ જક્કી../ મુકેશ જોષી


કો’ક ફરી આ આંખ વચાળે આવ્યું છે એ નક્કી
જગને છોડી એને જોવા, આંખો થઈ ગઈ જક્કી...

     વારે ઘડીએ ડેલી ખખડે, હતું કદી જ્યાં તાળું
     અંધારી રાતોમાં મારે, દડદડતું અજવાળું
એને દેવા સપનાંઓની મનમાં થાતી થપ્પી
જગને છોડી એને જોવા, આંખો થઈ ગઈ જક્કી

     તંબૂરા પર આંગળીઓ અડકે જો ભૂલેચૂકે
     કેટકેટલા સૂર વ્હાલથી, દોટ હવામાં મૂકે
તંબૂરો કે હવા, ઉભયમાં કોને કહેવું લક્કી
જગને છોડી એને જોવા, આંખો થઈ ગઈ જક્કી

     ફરિયાદો પર ફરી વળેલાં ફરી યાદનાં પાણી
     આ તે કેવી નદી, દૂરથી દરિયો લીધો તાણી
દરિયાના પરપોટા એ તો નદીઓ કરતી પપ્પી
જગને છોડી એને જોવા, આંખો થઈ ગઈ જક્કી.


0 comments


Leave comment