1.22 - ઘર છોડતા પહેલાં જરા હું... / મુકેશ જોષી


ઘર છોડતા પહેલાં જરા હું
     ઓસરીના થાંભલે માથું મૂકીને રોઈ લઉં
     જે ભીંત પર શૈશવ તણાં
કક્કા-પલાખાંઓ લખ્યાં એ ભીંતને હું ધોઈ લઉં...

     માળિયે ફરતી નજરને હાથ લાગે,
          સ્હેજ તૂટેલો દડો ને એક પીંછું સાવ નાનું
     યાદની ઝોળી ભરાતી જાય ને
          ચીતરાય હૈયે દર્દનું એકાદ પાનું
     માળિયાના જે ખૂણે સંતાઈ જાતાં
     એ ખૂણામાં જાતને હું ખોઈ લઉં... ઘર...

     જે ઝરૂખામાં રૂપાળી સાંજ મળવા આવતી
          લઈ રંગની બે વાત ભોળી
     કેટલાં શમણાં થયાં ઊજળાં વરસતી ચાંદનીનાં
          ધોધની માંહે ઝબોળી
     એક પારેવું હજુય ક્યાંક
     બેઠું હોય તોય લાવ થોડું મોહી લઉં...ઘર...

     આંગણાને ‘આવજો’ કહેતી પળે
          તો ઘર મને બાઝી પડે, ડૂસકે ચઢે
     પગરવોને સંઘરી બેઠેલ શેરી
          આંખ લૂછે, એક હૈયું કોતરે સ્મરણો વડે
     છેક શેરીને વટાવી નીકળું તોય થતું
     કે લાવને પાછું ફરીને જોઈ લઉં... ઘર...


0 comments


Leave comment