1.24 - ચાલો પેલી પાર... / મુકેશ જોષી


ચાલો પેલી પાર: તમને લઈ જાવા છે
પેલી બાજુ રવિ-સોમ છે, હૂંફાળી હેતાળ ભોમ છે
બાળકના જેવું જ વ્યોમ છે, જે બોલો તે ઓમ-ઓમ છે
સૂરજ જેવાં કૈંક કોડિયાં મારી પાસે છે
તે તમને દઈ જાવાં છે
...ચાલો પેલી પાર

આ બાજુથી એ બાજુની ખબર કંઈ નહીં પડશે
ખાલી હાથ તમારો ખાલી ખિસ્સાને જ કરડશે
ખિસ્સું ફાટી જાય એટલો ભર્યો મહીં અંધાર
કાળાં ચશ્માં પહેરી લોકો ઝંખે અહીં સવાર
ખરેખરી સવાર પડે છે, એમાં કોને રસ?
અહીંયાં તો લોકોએ પહેર્યું નખ નખમાં ખુન્નસ
ખુન્નસ મિશ્રિત ધૂળ ઊડે ને લોક કહે ગુલાલ
ગુલમહોર જેવો જ ઊગે છે ચાંદો નભમાં લાલ
લાલ ઝખમ પર ટાઢો લેપ કરી દે એવા મંત્રો તમને દઈ જાવા છે
...ચાલો પેલી પાર

પેલી બાજુ ધીમોધીમો નાદ વહે અનંત
શબ્દો આંખો મીંચી બેઠા જાણે બેઠા સંત
એ સંતો જો કૃપા કરીને આંખો ખોલે સ્હેજ
કૈંક જન્મનાં અંધારાંઓ ભાગે એવું તેજ
ગુલાબજળના શીતળ જળની નદી વહે જ્યાં ખળખળ
પથ્થરને અડકે તો ફૂટે પથ્થરને પણ કૂંપળ
એ જ નદીને તીરે સત્યે બાંધ્યાં છે ઘરબાર
ઈશ્વર પણ અહીંયાં જ ભરે છે પોતાનો દરબાર
જે દરબારી રાગ કાનડા ગાય એના સૂરો તમને કહી જાવા છે
...ચાલો પેલી પાર

પેલી બાજુ જાવું છે પણ દરિયો છે તોફાની
કાગળની હોડી છે ખાલી કદમાં સાવ જ નાની
કાગળની હોડીમાં બેસી કેમ કરીને જાશો
અહમ્ જરા બાજુએ મૂકો આપોઆપ સમાશો
સમાઈ જાશો તમે અર્થમાં, આંખ મીંચો પળવાર
એક હલેસું મારું ત્યાં તો સાત સમંદર પાર
શબદ-બ્રહ્મ જ્યાં રહે સદાયે સદાકાળ મુકામ
ત્યાં જ કવિ લઈ જાશે તમને, એ જ કવિનું કામ
સફર મહીં જો દર્દ જરાયે થાય તો એ દર્દ કવિને લઈ જાવાં છે
...ચાલો પેલી પાર


0 comments


Leave comment