1.26 - છોકરીના હૈયામાં ચોમાસું બેઠું... / મુકેશ જોષી


 છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને,
          છોકરાના હૈયે લીલોતરી
     કૂંપળ ફૂટ્યાની વાત જાણીને છોકરો
          છાપે છે મનમાં કંકોતરી

     છોકરાએ મનમાં સગાઈ કરી
          છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
     ખિસ્સામાં માય નહીં, છાતીમાં
          મૂકે તો છોકરાને દર્દ થાય સામટું
     છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
          વરસાદી રેખાઓ કોતરી ...છોકરીના

     છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
          શ્રીગણેશાય લખી નાખ્યું
     મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
          ફેરા ફરવાનુંય રાખ્યું
     ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
          લાગી ગઈ આખી ગંગોતરી ...છોકરીના


0 comments


Leave comment