1.27 - તમે સાંભળો તો કલરવ શું લાગે... / મુકેશ જોષી


ઝાકળમાં નાહીધોઈ, પંખીઓ ભેગાં થઈ કરતાં જે ઈશ્વરનું ગાન
તમે સાંભળો તો કલરવ શું લાગે
ઈશ્વરના રાજીપે, સૂરજનાં કિરણોનો લઈને પરસાદ પછી
પંખીઓ માળેથી ભાગે

વહેલી પરોઢે જગાડજો કહીને, કંઈક તરણાં સૂતેલ હો નિરાંતે
વ્હાલથી ગાલ ઉપર પંપાળી હાથ ઓલ્યો વાયરો જગાડે પ્રભાતે
તરણાંઓ ઝાડવાંને પૂછે: કે લાડથી ડાળને જગાડતો
આ વાયરો કે’ દી નો જાગે?

પંખીનું ગાન હશે પ્રાર્થના કે ગીત કે ખાલી અમસ્તો ટહુકાર
પંખી તે પાછલા જન્મોના સંતો કે કરતા હશે ઓમકાર
ટહુકામાં ભૈરવ ને ટહુકામાં રામકલી, ટહુકામાં છેડતા ભૂપાલી
તો આખો કલરવ કિયા રાગે?


0 comments


Leave comment