1.28 - લીલેરાં વન્ન જાય ઓચિંતાં સળગી... / મુકેશ જોષી
ઝાંઝવાં તે આંખને રમવા અપાય કંઈ,
આવી તે હોય કંઈ મજાક
લીલેરાં વન્ન જાય ઓચિંતાં સળગી ને
રણની ફેલાઈ જાય ધાક
ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી
ફેફસાંમાં ભરવી બળતરા
કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે
એવા તે હોય કંઈ અખતરા
ખોબો એક છાંયડાને તરસો તમે ને
તોય ચપટી મળે ના જરાક ...લીલેરાં
હોઠ પર ફરકે ના ક્યાંયથી પરબ
એવા પહેરાઓ લાગે તરસના
આયખામાં રણ એમ ઓગળતું જાય
ને રેતી વહે નસેનસમાં
મોસમની ઓળખાણ કેવી વૈશાખના
વરસે જ્યાં ધોધમાર તાપ ...લીલેરાં
0 comments
Leave comment