1.29 - તડકાની ભાષા.../ મુકેશ જોષી


તડકાની ભાષા મેં શીખી
     આખી બારાખડી મરચામાં બોળીને કાઢી હો એટલી તીખી

     જળનું તો કામ નહીં તડકાને વાંચવાનું
          એક એક અક્ષરમાં ઝાળ
     દરિયો જો તડકાનું છાપું ઉથલાવે તો
          થઈ જાતો પોતે વરાળ
     ઝાકળની વાંચવામાં રોજ ભૂલ થાય
          ને રોજ પછી તડકો દે પીંખી ... તડકાની

     તડકાનું વ્યાકરણ શૈશવથી શીખેલાં
          છોડવા, ઝાડવાં ને વેલ
     તડકો જો આવડે તો છાંયડામાં
          ભાષાંતર કરવાનું કેટલું સ્હેલ
     તડકાની ઝળહળતી આભા ને
      છાંયડાની વાતો વંચાય સાવ ફિક્કી ... તડકાની

     ભાષામાં સોનેરી રંગનો દમામ
          તમે વાંચો તો આંજી દે આંખો
     સાચકલે શીખવાની ઇચ્છા જો હોય
          તો સૂરજને ટ્યૂશન પર રાખો
     વાંચતાં, બોલતાં ને લખતાંયે આવડશે
           આખી ઉનાળાની લિપિ ... તડકાની


0 comments


Leave comment