98 - કૂવા ઊલેચ્યા જતન તણા / તુષાર શુક્લ


કૂવા ઊલેચ્યા જતન તણા
તો ય તમને ગોરાંદે, નીર ઓછાં પડ્યાં
મારે હૈયે તે હેતના વખા પડ્યા.

કોડી ને પાંચીકાથી આંગણિયે ખેલતીને
લીલા જવારા સમું લહેરતી
ઓચિંતા એક દિવસ ઉંબર વચાળ
તને દીઠી મેં ઓઢણીએ ઘેરતી
કિયા સલૂણા કાજ દીધાં અલૂણા
મારી આંખને ઉજાગરા અમથા નડ્યા...

સીમને સીમાડે ઓલ્યા થોરિયાની વાડે
તારી ભાતીગળ ચૂંદડી ચીરાણી
કાંટે ભરાણા એના તાંતણાને જાળવ્યાની
યાદે આ આંખડી ભીંજાણી
આંસુ લૂછનાર, તમે આઘાં રિયા
તે હવે લાગે કે સાવ અમે અમથું રડ્યા...

એક રે જાણીતા અને એક રે અજાણ્યા
એવા કંકુથાપાને પાસ પાસે જોયાં
ઓસરીના થાંભલાને ઝાલી ને આંગણામાં
કોઇને સંભળાય નહીં એવું રોયાં
લોહીઝાણ ઉઝરડે અંકાયા હાથ
તારા કંકુથાપાને જરી અમથું અડ્યા...


0 comments


Leave comment