99 - ચાલ, આપણે બેઉ ફરીથી... / તુષાર શુક્લ


ચાલ આપણે બેઉ ફરીથી શિરીષ વૃક્ષને છાંયે મળીએ
કાળઝાળ ઉનાળે આપણ, રેશમ રેશમ સ્પર્શ થઇને સુગંધમાં ઓગળીએ

તું ય નીકળે ઘેરથી કોઇ અષાઢીલું લીલુંછમ એક બહાનું લઇને
છાતી સરસી નોટ, નોટમાં વાળેલું એક પાનું લઇને
હું ય નીકળું ઉજાગરાનું ઘેન, ગુલાબી આંખોમાં કૈં છાનું લઇને
તારા વિણ આ તરસ્યા, તડપ્યા, તલખ્યા કેરી રાતનું દર્દ મજાનું લઇને
ચાલ, આપણે બેઉ ફરીથી શિરીષ વૃક્ષને છાંયે મલીએ
સંગાથે જે કોતર્યુ’તું એ નામ, મહેંકનું ગામ,
વસી જાય કળીએ કળીએ...

સ્મરણ તણું આ હરણ એકલું સાવ આટલું જાગ્યા કરતું
આજ અડોઅડ ઊગી ગયાનું આંગળિયો ને લાગ્યા કરતું
ગમતું ગમતું થાય ને ના કહેવાય એ ય સાંભરી લઇને
હથેલીઓમાં હાથ, હાથને હળવેથી પંપાળી લઇને
ચાલ, આપણે બેઉ ફરીથી શિરીષ વૃક્ષને છાંયે મલીએ
જ્યાંથી આપણે છૂટાં પડ્યાં’તાં, એજ ક્ષણોમાં પાછા વળીએ

જીવતરના મારગ પર આપણ જીવતા જીવતાં જૂના થઇને
સાથ સાથમાં ચાલ્યા જતાં એકબીજાથી સૂના થઇને
આવ આપણે મળીએ સામે પૂર, ઘૂઘવતી ભરતી થઇને
રણકે નેહ નૂપુર, સ્નેહના સૂર, અજબની મસ્તી લઇને
ચાલ, આપણે બેઉ ફરીથી શિરીષ વૃક્ષને છાંયે મળીએ
“હું ય તને ચાહું છું” એવું કાનમાં પહેલીવાર કહ્યું’તું
એ જ સમયમાં પાછા વળીએ...


0 comments


Leave comment