100 - આજ ભલે ને દૂર આપણે / તુષાર શુક્લ


આજ ભલે ને દૂર આપણે મળશું આપોઆપે
પ્રિય, તું કેમ જલે સંતાપે?

સ્નેહજીવનની રીત અજબ છે
દર્દ દર્દથી મટતું,
અવરોધાતું, તો ય ન ઘટતું
હેત સદાયે વધતું
વ્હાલ વધીને વાદળ થાશે
વિરહ અગનના તાપે
પ્રિય, તું કેમ જલે સંતાપે?

ડગલું માંડું હું ય, અને તું
ડગલું સામે માંડે
પ્રીત તણી આ પાંખ,
પલકમાં પાસ પાસે પહોંચાડે
યુગ યુગના અંતરને, અંતર
પલક ઝપકમાં કાપે-
પ્રિય, તું કેમ જલે સંતાપે?

ના બનીએ પ્રતિબિંબ આપણે
ના પડઘો પડછાયો
સાદ સૂણીને દઇને કેવળ
હેત ભર્યો હોંકારો
સ્નેહ નહીં સમજાય સખી રિ
વધઘટ કેરા માપે
પ્રિય, તું કેમ જલે સંતાપે?


0 comments


Leave comment