101 - પ્હેલા વરસાદ તણા ભીના / તુષાર શુક્લ
પ્હેલા વરસાદ તણા ભીના અનુભવની
આંખોમાં મ્હેકે છે વાત
કોરાં ધાકોર ગામ લોકો એ માંડી છે
લીલીછમ છાની પંચાત
આભલા ભરેલાં આ કમખામાં ચીતરેલા
મોરલાનો સંભળાતો સાદ
કોરા કડાક મારાં ઓઢણાંને, અષાઢી
વાદળ અડક્યાનું રહે યાદ,
દર્પણની આંખોમાં ખૂલ્યા કરે છે
એક રાનેરી ક્ષણના કમાડ....
નળિયેથી ચાંદરણ થઇને લ્હેરાય
મારી ઓસરીમાં અદકું અજવાળું
આંખોમાં આવીને ઊભું જ્યાં કોઇ
હું તો જાગી ઉઠું રે સફાળું
ઓચિંતા અડક્યાનું ખીલ્યું જ્યાં ફૂલ
ત્યાં જ મ્હેક મ્હેક દિવસ ને રાત...
0 comments
Leave comment