103 - તારી હથેળીને દરિયો માનીને / તુષાર શુક્લ
તારી હથેળીને દરિયો માનીને
કોઇ ઝંખનાને સોંપે સૂકાન
એને રેતીની ડમરીની ડૂમો મળે
એનો અલ્લાબેલી.
ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા
ને વેળુમાં તરસે છે વહાણ.
કૂવાથંભથી હવે સોણલાં રડે
ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને
કોઇ ઊંટોનો શોધે મુકામ
એને કોરીકટ માછલીની જાળો મળે
એનો અલ્લાબેલી.
કોની હથેળીમાં કોનું છે સુખ
કોને દરિયો મળે ને કોને રેતી
વર્તારા મોસમનાં ભૂલી જઇને
એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને
કોઇ લાંગરે ને ઉઠે તોફાન
એના ઓસરતી વેળુમાં પગલાં મળે
એનો અલ્લાબેલી.
0 comments
Leave comment