105 - રોજ ઠગે આ બારમાસી શબ્દોની / તુષાર શુક્લ


રોજ ઠગે આ બારમાસી શબ્દોની લીલપ બહુ
આપણે આપણો ટહુકો સખી, સાચવીએ તોય હંઉ!
ભરચોમાસે નદીઓ માંહે ઝાંઝવા ઘોડાપૂર
રણમાં અનરાધાર પડ્યોને રેતી ગાંડીતૂર.
મોરનાં બચ્ચા પાટી લઇને ટહુકો શીખવા ચાલ્યાં
મગર આંસુ સારતો એમાં બેઉ કિનારા મ્હાલ્યા.
સવળાનું કેરે અવળું, આતો શબ્દ, સાચું કહું.
જીવતાના કરે પાળિયા એથી ગાઉ આઘેરો રહું
તણખલાંનાં ઉડી જવાનો શોક કદી ના ધરીએ
શોરબકોરના વનમાં આપણો માળો છે શું કરીએ?
એક સવારે આપણે કંઠે ટહુકાઓ ટળવળશે
હોઠ ઉઘાડી બોલશું ત્યાં તો કોલાહલ ખળભળશે
જાતને ભૂલી ભીડમાં કેવાં સુખથી મ્હાલે સૌ
આપણી અંદર ટહુકા જાગે અને ક્યાં લઇ જઉં?
ટહુકા આપણી દોલત એનો કાંઇ ન દસ્તાવેજ
સ્હેજ અમસ્તું આભલું જોયેં, લાગણી જોયેં સ્હેજ
ચાલ, હવાની લ્હેરખી પરથી ભૂંસીએ કાળા ડાઘ
હાથ પસારી ફૂલને માટે ઝાકળ જેવું માગ.
ગમતું હોય તે રૂંધવું શાને, ગમતું હોય તે ગાઉં
ટહુકા ભૂલ્યા જગને થોડા ટહુકા આપી જાઉં.


0 comments


Leave comment