106 - છાતીમાં ધરબેલા લાખ / તુષાર શુક્લ
છાતીમાં ધરબેલા લાખ લાખ જન્મોના
ટહુકા ટળવળતા આ ટેરવે
મૂંગી આ વેદનાને શબ્દોની પ્યાસ, સખી
રૂંવે રૂંવેથી મને ખેરવે-
‘પંખી’નું મ્હેણું લઇ આવ્યા આ ગામ
હવે ટહુક્યા વિના તે કેમ રહીએ?
નરદમ કોલાહલનો વારસો ગમે તો સખી,
આવ્યા એવા જ અમે જઇએ
હવ્વડ કૂવાની વાસ આનંદે શ્વાસમાં
ને કળીઓને બંધિયાર ઠેરવે....
પાંખનો અભાવ જેને ખટકે નહીં
તે એને આભનો સ્વભાવ કેમ કહીએ?
પીંછાની નિંદામાં રાચે જ્યાં લોક
એવા ગામ તણે પાદર શું વહીએ?
તરફડતી તરસ્યુંની હોડી, કહોને કોઇ
ક્યાં સુધી મૃગજળમાં ફેરવે?...
0 comments
Leave comment