107 - પળ છે મુખમાં જળ મૂકવાની / તુષાર શુક્લ


પળ છે મુખમાં જળ મૂકવાની
ને નહિ તો વાદળ મૂકવાની
પળ ના આ કૈં ખળભળાટની
શાંત સાગરે જઇ ભળવાની...

અંધકારની દિવાલ પાછળ
અદકેરું અજવાળું ઝળહળ
પર્ણ હલે ત્યાં ઝલમલ ઝાકળ
કલ કલ કૈં રેલાતું આગળ
પળ છે ઝળહળવાની

આંખ નહીં, અવ દ્રશ્ય
હવે આ કર્ણ સ્વયં સંગીત
આજ નાસિકા સુગંધ સાગર
રસના, સ્વાદ અમીટ
ત્વચા સ્વયં છે સ્પર્શનું મખમલ
પળ એ ઓળખવાની

વાયુ થઇને હવે વિહરનું
વાદળ થઇ વિસ્તરવું
ધરા થઇ પથરાવું આજે
અગન સમું ઝળહળવું
જળ થઇને લ્હેરાવાની પળ
અરુપમાં ઢળવાની

સ્થળને કાળને બંધન નહીં, અહીં
સહજ હવે સંચરવું
તન ને મનની કેદ તૂટતાં
સુગંધ થઇને સરવું
પળ આ કેવળ પરમ મનોહર
અનહદ ઓગળવાની


0 comments


Leave comment