108 - શબ્દ કેરી પ્યાલીમાં / તુષાર શુક્લ
શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સૂરા પીને
લ્યો, અમે તો આ ચાલ્યા....
મસ્ત બેખયાલીમાં લાગણી આલાપીને
લ્યો, અમે તો આ ચાલ્યા...
જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે
મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે
ચાંદનીને હળવેથી, નામ એક આપીને
લ્યો, અમે તો આ ચાલ્યા...
જે હતું જીવાયું ને જીવવા જે ધાર્યુ’તું
સાચવીને રાખ્યું’તું આંસુ, એ, જે સાર્યુ’તું
ડાયરીના પાનાની એ સફરને કાપીને
લ્યો, અમે તો આ ચાલ્યા...
ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું
યાદ તો યે રહી જાતું બેઉને આ મળવાનું
અંતરના અંતરને એમ સ્હેજ માપીને
લ્યો, અમે તો આ ચાલ્યા...
0 comments
Leave comment