109 - સ્હાંજ ઢળે ને સૂના મનને / તુષાર શુક્લ
સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર
બારણે ચીતર્યા લાભ, શુભ શી
આંખો, એ સુંદર...
સ્હાંજ ઢળે ને પાછાં વળતાં પંખી એને માળે
માળો ના ગૂંથ્યો હો એવાં, બેઠાં એકલ ડાળે
હું ય અહીં બેઠો છું એકલો, આવી સાગર પાળે
ખડક ભીંજવે, મોજાં, જાણે વ્હાલ ભર્યુ પંપાળે
વગર અષાઢે આંખતી વરસે, આંસુની ઝરમર
સ્હાંજ ઢળે ને સૂના મનને, યાદ આવતું ઘર
સૂરજ જેવો સૂરજ કેવો ક્ષિતિજે જઇ સમાતો
માના પાલવ પાછળ જાણે, બાળક કોઇ લપાતો
મીઠી યાદ થઇને કોઇ, વાયુ ધીમો વાતો
વૃક્ષ તણા પર્ણોની કેવળ સંભળાતી મર્મર
સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘ
મનને આવું કાંઇ થતું નહીં, ઊગતી શાંત સવારે
બપોરની વેળાએ પણ, ના થાતી પાંપણ ભારે
સપનાં શોધતી આંખ મીંચાતી રાત તણે અંધારે
કેમ થતું મન ઉદાસ કેવળ, ઢળતી સંધ્યા જ્યારે!
આમ નિરુત્તર મન જાણ છે, ઘર એનો ઉત્તર.
સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર.
0 comments
Leave comment