38 - ચીસ પાડી એક ટહુકો માંગવો / દિનેશ કાનાણી
ચીસ પાડી એક ટહુકો માંગવો;
ને પછી કોયલનો માળો બાંધવો !
રોજ એની એજ સમસ્યા લઈ ફરું,
રોજ મારે કોનો રસ્તો કાપવો ?
બાદશાહીમાંય ઈશ્વર જાપવો;
હોય છે મિજાજ મારો આગવો !
કામ સોપ્યું છે ખરા દિલથી તમે;
ઝાંઝવાનો એક ફોટો પાડવો !
અવસરોનું સાવ એવું હોય છે,
હોય મતલબ, ત્યાં લગી છે માંડવો.
ફક્ત તોરણ પૂરતા ક્યાં હોય છે ?
આંગણે ટહુકો ય પડશે ટાંગવો !
જંગ પૂરો ક્યાં થતો આ શ્વાસનો
હક અને હિસ્સો ય ક્યારે માંગવો !
દ્વાર પર ઊભા રહીને શબ્દના;
જાતનો પરિચય પડે છે આપવો !
નખ વધે છે કે સમજદારી જુઓ;
કાં ગમે માણસને માણસ ફાડવો ?
0 comments
Leave comment