46 - આજે ફરીથી ગંગા કથરોટમાં પધારી / હરીશ મીનાશ્રુ


આજે ફરીથી ગંગા કથરોટમાં પધારી
ને પાનબાઈ પોતે રૂમઝુમતી પાણીહારી

બમણી સુગંધ, બમણો અજવાસ : આ પરોઢે
શું દાવ પર લગાવી હાર્યો રમે જુગારી

સમજીને પડતું મૂકો ને બ્રહ્મરન્ધ્ર, પંડિત
પ્હેલાં અવાવરૂ આ ઘરની ઉઘાડો બારી

અલ્લાહની લાઠીના ઊઠ્યા હો સોળ ભાલે
નીચી મુંડીએ બેઠા એવા ત્રિપુંડધારી

મનમાં સતત પીડાનો તાંબૂલરસ ઝરે છે
અંજારની સૂડી ને શ્રીવર્ધની સુપારી

તકિયાકલામ જેવા એ નામને અઢેલી
બેઠાં તો બસ પલકમાં ચૌદે ભુવન વિહારી

સમજો ન શીલભંગા, કેવળ શિલા છું હું તો
પળમાં ચરણના સ્પર્શે પંખી જશે ઉગારી

મારી ગઝલમાં શબ્દો કોમળ ભલે દીસે પણ
છે કાળજામાં દાસી જીવણની એ કટારી


0 comments


Leave comment