47 - વળ ચડાવીને અવળવાણી કશું બોલે હવે / હરીશ મીનાશ્રુ


વળ ચડાવીને અવળવાણી કશું બોલે હવે
જો, સફરજન ખુદ ઇયળ થૈ સૌને કરકોલે હવે

આદિ નર્તનના ચરમબિંદુની છે લીલા અજબ
થનગને, થરકે, અચળતા ઠેક લૈ ડોલે હવે

એ ગયાં પોઢી નિરાંતે, સૌ તળાંસે છે ચરણ
સૃષ્ટિનું ટાઢું ટબૂકલું તારે કંધોલે હવે

જે ખગોલે છે, બખોલે તે જ ખગની આંખમાં
ધીરે ધીરે તેજ બન્ને પાંખને ખોલે હવે

મૌન રહીને મેં મને મનમાં કહી’તી જે કથા
ટાપસી એમાં પૂરી ચુપચાપ ચંડોલે હવે

આ કમંડલમાં ભલે નવસેં નદીનાં નીર હો
તો ય ક્યાં ઝાકળનાં ઝીણાં બુંદની તોલે હવે

દ્રુતગતિની યુક્તિઓ સઘળી વિફળ ઠરતી ગઈ
છેવટે થાકીને બેઠા એને હિંડોલે હવે

પળ રચે છે ચક્રવ્યૂહો, સ્થળ વમળ જેવાં મળે
કાલ ચકરાવે ચડ્યા’તા, આજ ચગડોલે હવે

ભીડથી ફેંકાઈ ભીતર સાવ એકાકી થયાં
એક એના શબ્દના બારીક હડદોલે હવે


0 comments


Leave comment