48 - વ્યથાથી વિશ્વ ભાગતાં જે રહે શેષ હવે / હરીશ મીનાશ્રુ


વ્યથાથી વિશ્વ ભાગતાં જે રહે શેષ હવે
સ્મરણનો એ જ હજો શુદ્ધ સન્નિવેશ હવે

મરણ સમેટી કરું નિજ મહીં પ્રવેશ હવે
સકળ તીરથનો સર્વ કણમાં સમાવેશ હવે

વહે છે નિસ્સમય તે લય વિકટ પ્રતીક્ષાનો
યુગો વહે, નયન આ તો ય નિર્નિમેષ હવે

વસું છું એકથી નવમાં તે લોકલાજે હું
ન કોઈ સ્થાન મારું શૂન્યથી વિશેષ હવે

ખીલે છે ચન્દ્ર હાઇકુમાં,-હું જ બાશો છું
આ ચાંદનીમાં સર્વ સ્નેહીઓનો શ્લેષ હવે

સુગંધ રહી રહી લોબાનની આવી રહી છે
પધારે એક્‌ ફકીર કાફિયાને વેશ હવે

અવાજ ઝળહળીને લીન થયો આકાશે
આ ગઝલ,-એ તો માત્ર અશ્મિ કે અવશેષ હવે

શબદની આંચથી હુંપદ તો પીગળી ચાલ્યું
ને હું જ થૈ ગયો મક્તામાં નામશેષ હવે


0 comments


Leave comment