49 - હું ચહું તે ધુંધુકાર ક્યાં હશે / હરીશ મીનાશ્રુ


હું ચાહું તે ધુંધુકાર ક્યાં હશે
સાત અશ્વનો સવાર ક્યાં હશે

સૌ ગતિસ્થિતિનો સાર ક્યાં હશે
શૂન્યનો સકલ વિહાર ક્યાં હશે

એ મધુર નાંદિકાર ક્યાં હશે
જવનિકાની આરપાર ક્યાં હશે

એ હકીમ એ બીમાર ક્યાં હશે
સિતમગરોની સારવાર ક્યાં હશે

ઘોર મનસૂરી હુંકાર ક્યાં હશે
હકનો શુદ્ધતમ હકાર ક્યાં હશે

ધિક્‌ કહે તો ધન્યતા અનુભવું
પ્રેમનો વિકટ પ્રકાર ક્યાં હશે

સ્કંધ પર સુગંધવત્‌ વહી જશે
એ પવન સમા કહાર કયાં હશે

ભરબજારે હું પુરશ્ચરણ કરું
આ હૂંડીનો શાહુકાર ક્યાં હશે

પલ્લવો પ્રકટ થવા ઉતાવળાં
એ રહસ્યમય પ્રહાર ક્યાં હશે

તંતતંતમાં અનંત કંપનો
સંતની સહજ સિતાર ક્યાં હશે

શુક્તિમાં હું જેને સાચવી શકું
પૂર્ણિમાનો પારાવાર ક્યાં હશે

આ ગઝલ છે જીહજુરી જેમની
એનો ઝીણો કારભાર ક્યાં હશે


0 comments


Leave comment