50 - રીઢો તસ્કર છે તું ઘરફોડ, મિયાં / હરીશ મીનાશ્રુ


રીઢો તસ્કર છે તું ઘરફોડ, મિયાં
તાળું મનનું અકળ આ તોડ, મિયાં

તેં ય અરસાથી અરીસા સાથે
આમ શાને બકી છે હોડ, મિયાં

લાખચોરાસી ગાંઠ મારી છે
સાતસો છયાસીવાર છોડ, મિયાં

એક ઈશ્વર જો હાથથી છટક્યો
થૈ ગયો તેતરી કરોડ, મિયાં

એક ઈશ્વરના હાથથી છટકી
ઊંધે મસ્તક લટકવું છોડ, મિયાં

જાગરણના છે સૌને શાપ ફળ્યા
ખાટલે એ જ મોટી ખોડ, મિયાં

હોય ફાટેલું આભ કે ચાદર
સ્હેજ સમજીને તાણો સોડ, મિયાં

ઓગળે તો જ મીણની પૂતળીને
આવડે અંગના મરોડ, મિયાં

વસ્ત્ર જરિયાન છે આ જીવતરનું
ઓડનું વેતર્યું તેં ચોડ, મિયાં

કબર તો બંધ મુઠ્ઠી માટીની
ન કરે સ્હેજ બાંધછોડ, મિયાં

જાતને જો અખંડ ઘડવી હો
તારી ભાષાને ભાંગ ફોડ, મિયાં

એ ઇશારત કરે તે સમજી જા
આ ગઝલ પાડશે કયાં ફોડ, મિયાં


0 comments


Leave comment