51 - હું વાત કરું તો વણસે / હરીશ મીનાશ્રુ


હું વાત કરું તો વણસે
ને અવાક્‌ રહું : રણઝણશે

આઘાત કરું તો ટહુકે
ને પંપાળું તો કણસે

મન છે તો જળને કલ્પી
રણને ખોતરશે ખણશે

કાસદજી, અબ તો બોલો
આયે હો કિસ કારણસે

ઝાકળનું ટીપું દેખી
અશ્વો સાતે હણહણશે

કરવત ઊગી કાશીની
લ્યો કેવડિયાની ફણસે

વીજળીના તાણેવાણે
મન અગનપિછોડી વણશે

છે પુરાંત બસ પીડાની
શબ્દોની સિલ્લક જણસે

ગ લખી ગઝલનો ઘટમાં
આ કવિવર કક્કો ભણશે


0 comments


Leave comment