52 - તું ગણે જેને ત્રિપુટી, એ અહીં ત્રેખડ થશે તો ? / હરીશ મીનાશ્રુ


તું ગણે જેને ત્રિપુટી, એ અહીં ત્રેખડ થશે તો ?
આ કલમ-કાગદ-સિયાહી એટલાં અણઘડ થશે તો ?

વા ને વડનાં પાંદડાં ઊડી ઊડી વાવડ થશે તો ?
વાગશે ભણકાર, છાતીમાં સતત ધડધડ થશે તો ?

એ નહીં આવે ને ભીંતે સ્હેજ પ્હોળી તડ થશે તો ?
આ કૂલફ, કૂંચી વિના કરમાઈને ઉજ્જડ થશે તો ?

તારી ભાષા પણ દીવાલો જેમ દિવાસ્વપ્ન મધ્યે
દ્વારની માફક ખૂલી જાવાને તલપાપડ થશે તો ?

શબ્દ પરગટશે તો એને શી રીતે ઉચ્ચારવાનો
તું કમળપૂજા કરી મસ્તકવિહોણું ધડ થશે તો ?

રાતભર શતદલ વ્યથા ખીલતી રહી,ખૂલતી રહી છે
આસ્થાવશ એક ટીપું ઓસનું ઓસડ થશે તો ?

બાર જુગે એક જોગી આવશે ને બોલશે કૈં :
આ લીલા દૂર્વાંકુરોનું દિલ દૂભાઈ ખડ થશે તો ?

શુષ્ક દર્પણની ત્વચા પર કરચલીઓ જોઈ જોઈ
તારે ચ્હેરાની તરડ સાથે ફરી તડફડ થશે તો ?

બેફિકર થૈ તું ચડ્યો તો છે ફકીરોના રવાડે
અબઘડી અક્ક્ડ મટીને ફૂલ શો ફક્કડ થશે તો ?

જાતરાએ નીકળ્યો પિતૃના પડછાયા લઈ તું
હરપળે ભારે ને ભારે કાંધની કાવડ થશે તો ?

એ અઠે દ્વારિકા કહી લંબાવશે ને તું ભીંસાશે
તારા મનમાં ને સ્મરણમાં એટલી સાંકડ થશે તો ?


0 comments


Leave comment