53 - તલનું તાળું કૂંચી રજની / હરીશ મીનાશ્રુ


તલનું તાળું કૂંચી રજની
મંજૂસ આજે ખોલ સૂરજની

ધવલ ચાંદની શ્યામલ રજની
ઠેઠ તળે ક્ષણ શુદ્ધ પરજની

એક આંખ સમજણની પલકે
તો બીજી અનહદ અચરજની

ખર્યા પાંદડે આશિષ દેતી
છબિ અમે દેખી પૂર્વજની

રથ કોનો ને કોણ સારથી
પવન સગાઈ જાણે ધ્વજની

કેવટને જાગી છે ઝંખા
ઊડતા પંખીની પદરજની

મળી રોકડી બે’ક રેવડી
વાત કરી જ્યાં અમે કરજની

સમદરકાંઠે લવણપૂતળી
કરે કસોટી કોણ ધીરજની

હજી સંતનો સા ઘૂંટું છું
ખરી ખુદાઈ ખોજ ખરજની


0 comments


Leave comment