54 - દર્દ આપી દમામ આપું છું / હરીશ મીનાશ્રુ


દર્દ આપી દમામ આપું છું
હું હકીમોને હામ આપું છું

જીભને તારું નામ આપું છું
માત્ર તકિયાકલામ આપું છું

નગર હું લામુકામ આપું છું
ને તને ઇન્તઝામ આપું છું

જાણે જમશેદનો પિયાલો હો
એ રીતે રિક્ત જામ આપું છું

એક હથિયાર શૂન્યનું ઘડવા
શબ્દનાં હાડચામ આપું છું

ઇસ્મેઆઝમને જીલબ્બેક કહી
આજ મક્તાનું ધામ આપું છું


0 comments


Leave comment