55 - સઘળું છે અટપટું તો સ્પર્શી સરળ કરી લે / હરીશ મીનાશ્રુ


સઘળું છે અટપટું તો સ્પર્શી સરળ કરી લે
અંગત ગણી લે રણને, અંતે સજળ કરી લે

મનમાં જ બીજ વાવી, ચીતરી લે વૃક્ષ ઘેઘૂર
રાતુંચટક ઝૂલી લે : જીવ્યું સફળ કરી લે

દેખ્યું તે જળ છે ડહોળું, ઝબકોળતામાં છાછર
અવગાહને અતિશય હોવું અતળ કરી લે

ઢાંકો તે સર્વ વસ્તુ કવિતા કળી લિયે તો
શબ્દોના ગૂઢ સ્પર્શે પાછું અકળ કરી લે

અંતર છે એક્‌ તસુનું આંસુ નયનની વચ્ચે
કોઈ અજબ રીતે તું દુઃખને પ્રબળ કરી લે

પ્રત્યેક શ્વાસે ભીતર સૂસવે છે કૈંક સદીઓ
કંપાયમાન શગને ક્ષણમાં અચળ કરી લે

દર્પણને ચુપ કરી દે,- સુલટાઈ જશે દુનિયા
વાણી અવળ વદીને સઘળું સવળ કરી લે


0 comments


Leave comment